આયુષ્યમાન ભારત: 2 લાખ લોકોને મળશે રોજગારી, હોસ્પિટલોમાં રખાશે 'આયુષ્યમાન મિત્ર'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં આયુષ્યમાન ભારત હેઠળ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી.

આયુષ્યમાન ભારત: 2 લાખ લોકોને મળશે રોજગારી, હોસ્પિટલોમાં રખાશે 'આયુષ્યમાન મિત્ર'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં આયુષ્યમાન ભારત હેઠળ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી. એક મીડિયા રિપોર્ટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ યોજના હેઠળ 5 વર્ષમાં બે લાખ નોકરીઓની તકો સર્જાશે. આ નોકરીઓ હોસ્પિટલ, વિમા કંપનીઓ, કોલ સેન્ટર અને રિસર્ચ ક્ષેત્રમાં નીકળશે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સીધી રીતે એક લાખ આયુષ્યમાન મિત્ર તહેનાત કરાશે. 

15 હજાર રૂપિયા મળશે વેતન
આયુષ્યમાન મિત્રોને 15000 રૂપિયા મહિને પગાર મળશે. આ ઉપરાંત આયુષ્યમાન મિત્રોના દરેક લાભાર્થીને 50 રૂપિયા ઈન્સેન્ટિવ પણ મળશે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ તેમની ભરતી માટે સ્વાસ્થ્ય મંત્રાલય અને કૌશલ વિકાસ મંત્રાલયમાં કરાર થયો છે. 10 હજાર આયુષ્યમાન મિત્ર આ વર્ષે તહેનાત કરાશે. યોજના લાગુ થયા બાદ ડોક્ટર, નર્સ,સ્ટાફ, ટેક્નિશિયન, જેવા પદો ઉપર પણ નોકરીઓની તકો વધશે. 

મંત્રાલયે કરી 10,000 કરોડ રૂપિયાની ફાળવણી
આયુષ્યમાન ભારતમાં સીઈઓ ડો.ઈંદુ ભૂષણ મુજબ સરકાર લોકોની નિયુક્તિ એટલા માટે પણ કરશે જેથી કરીને યોજના યોગ્ય રીતે અમલી થઈ શકે. તેમની નિયુક્તિ હોસ્પિટલોમાં કરાશે. મોટા પાયે બેરોજગારોની સંખ્યા ઘટશે. આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને કૌશલ વિકાસ મંત્રાલય વચ્ચે કરાર થયો છે. મંત્રાલયે આ યોજના માટે 10000  કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 

શું છે આયુષ્યમાન યોજના
નાણામંત્રી અરુણ જેટલીએ આ વર્ષની શરૂઆતમાં લોકસભામાં બજેટ 2018 રજુ કરતા આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમો મળશે. તેમણે કહ્યું હતું કે દેશની 40 ટકા વસ્તીને સરકારી હેલ્થ વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ ટીબીના દર્દીઓને સરકાર તરફથી દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news